કેમ છો મિત્રો? ઘણા લાંબા અંતરાલ બાદ આ કોરી જગ્યામાં કંઈક લખ્યું છે. એમ જ કહો કે મારું આ કમબેક છે.
* * * * *
આપણે સૌ આપણી અંદર રહેલી લાગણીઓ અને સંવેદનોનાં ખેડૂત છીએ. જેને આપણે આપણી સમજણ મુજબ જોઈ વિચારીને ઉછેરી હોય છે. જ્યારે ખેડૂતને તેના પાકના ઉત્પાદન માટે ટેકાના ભાવ ન મળતાં હોય ત્યારે તે સૌથી વધારે દુઃખી થતો હોય છે. એક તો હવામાન સાથ ન આપે, ઉપરથી વરસાદ ની કૃપા ક્યારેક થાય તો ક્યારેક ન પણ થાય. એમાંય કુદરતી હોનારતો પડ્યા પર પાટું થઈ પડે છે. એવી જ રીતે માણસને પોતાની લાગણીઓ અને સંવેદનોનાં ટેકાના ભાવ ન મળે તો સરવાળે માણસને જ દુઃખી થવાનું આવે છે. સૌથી વધારે માર સહન કરતો વ્યક્તિ ખેડૂત છે. અને તે પણ એક માણસ છે.
હૂંફ નું હવામાન, અને વરસાદ નો સાથ બંને વિવિધ સંદર્ભે જરૂરી હોય છે. નહિતર અચાનક આવી જતી હોનારતોથી બધું જ નામશેષ થઈ જાય છે.
શાસ્ત્રોમાં શ્રમ કાર્ય ને, અને ખેતીકામ ને યજ્ઞ કહ્યો છે. ખેડતા રહેવું, શ્રમ કર્યા જ કરવો એ મૂળ કર્મ છે. હોમ્યા કરવું એ પ્રતિ કર્મ છે. અને ટેકાનો ભાવ મળવો એ ઇચ્છિત ફળ છે.
ટેકો આપવા જેટલી હિંમત તો બતાવી જુઓ, ભાવ આપોઆપ છલકાઈ જશે.
શા માટે ખેડૂત ટેકાનો ભાવ માંગે છે? કારણકે એ તેનો હક છે. વેઠ કરી કરી ને દુનિયાને આપવા માટે એટલું બધું કરે, બસ આપવાના ભાવથી જ. લોકોના જઠરાગ્નિને શાતા વળે એ જ હેતુ થી. અને તે ટેકાના ભાવ માંગે એમાં જરાય ખોટું નથી. એમ તો હજાર હાથે દેવા વાળો પણ આટલું સારું જીવન જીવવા આપે છે પછી ઢળતી ઉંમરે શક્તિઓ ને સામર્થ્ય બધું પાછું માંગી જ લે છે ને ! ખરું કે નહિ?
તો જાલિમ જમાનાના સાથીઓ, જરાક આ મુદ્દે વિચાર કરી જોજો, ક્યાંક આપણી અંદરનો ખેડૂત મૂર્છિત તો નથી થઈ ગયો ને !!? ટેકાના ભાવ ન મળવાની ઉદાસીની અસર ખેતી કરવા પર નથી થતી ને !!?
- રોહિત વ્યાસ
28/12/21, 01:23