Sunday, 25 August 2019

Sairandhri: A poem of Lost Identity

નમસ્તે વાચક મિત્રો !


આ બ્લોગ માં હું વાત કરીશ ગુજરાતી ભાષા ના આધુનિક કવિ વિનોદ જોશી રચિત પ્રબંધ કાવ્ય સૈરન્ધ્રી ની.
આ કાવ્ય મહાભારત ના વિરાટપર્વ પર આધારિત છે. જેમાં વાત કરી છે પોતાની મૂળ ઓળખ ગુમાવીને જીવી રહેલી પાંચાલી, દ્રૌપદી અને સૈરન્ધ્રી ની. કવિ વિનોદ જોશીએ આ કાવ્ય તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન લખ્યું છે. SBS ગુજરાતી ના જેલમ હાર્દિક સાથે કવિ વિનોદ જોશી ના સંવાદ ના અંશો અહીં લિંક માં પ્રસ્તુત છે. ઇન્ટરવ્યૂ સાંભળવા માટે અહીં ક્લિક કરો.






જયારે પાંડવો અજ્ઞાતવાસ માં હોય છે ત્યારે દ્રૌપદી સૈરન્ધ્રી બનીને રહે છે અને પોતાની મૂળ ઓળખ છુપાવે છે. પરંતુ કવિ વિનોદ જોશી કહે છે મારી સૈરન્ધ્રી મહાભારતકાર થી જુદી છે. આ પ્રબંધ કાવ્ય માં કવિએ શૃંગાર રસ નો પણ ઉપયોગ કર્યો છે. અને પાંડવો ની પત્ની એવી દ્રૌપદી ને કર્ણ પ્રત્યે મોહિત થતી બતાવી છે. કવિએ  દ્રૌપદી ના આ સ્વરૂપ વિષે એટલા માટે વાત કરી છે કારણકે સૈરન્ધ્રી નું વ્યક્તિત્વ લગભગ દરેક મનુષ્ય ને સ્પર્શે છે.  કવિ કહે છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આપણી મૂળ ઓળખ છુપાવી રહ્યા છીએ. હવે મજાનો મુદ્દો તો એ છે કે અહીં એક હિન્દી ગીત પણ યોગ્ય રીતે પ્રસ્તુત થઇ શકે કે :


"एक चहरे पे कई चहरे छुपा लेते हैं लोग...

અહીં વધુ એક સંદર્ભ અંગ્રેજી સાહિત્ય માંથી ટાંકવાનું મન થાય કે રોબર્ટ લુઈસ સ્ટીવન્સન લિખિત ડૉ જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ નામની નવલકથા માં એક જ પાત્ર ના બે અલગ અલગ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે. જોકે આ સંદર્ભ પુરેપુરી રીતે પ્રસ્તુત મુદ્દા ને લાગુ ન પાડી શકાય પરંતુ તેમ છતાં જ્યારે માણસ ને પોતાની મૂળ ઓળખ છુપાવવી પડે છે ત્યારે આ ઉદાહરણ હું અચૂક મુકું છું. અને જેમ કવિ આગળ કહે છે તેમ, આપણે લોકો ની વચ્ચે બસ મેનેજ કરી રહ્યા છીએ. અને આખરે માણસ એક કોયડો બની ગયો છે.

કેટલીક કડીઓ અને કાવ્ય ના અંશો થી આપણને એ ખ્યાલ આવે છે કે કર્ણ પણ સૈરન્ધ્રી ની જેમ પોતાની મૂળ ઓળખ છુપાવી રહ્યો છે. દ્રૌપદી એ કર્ણ ને પોતાને પ્રેમ કરવા યોગ્ય માન્યો છે. જયારે અર્જુન તેની બીજી પસંદગી છે. કવિએ અહીં કર્ણ ના વ્યક્તિત્વ નું અદભુત વર્ણન કર્યું છે. જયારે દ્રૌપદી નો સ્વયંવર યોજાય છે અને તે જયારે કર્ણને પ્રથમ વખત જુએ છે ત્યારે મનમાં જે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઉભી થાય છે તેનો આસ્વાદ અહીં કવિના શબ્દો માં માણીએ.

વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી
તત્ક્ષણ મોહિત થઇ પાંચાલી, વરણ કરી નિજ મનમાં મ્હાલી.

સર્વ નૃપાલ સ્વયંવર માણે, હતો કર્ણ નિર્હેતુક જાણે
સ્થાન હતું એને મન ઉત્તમ, કરવા કોઈ અનન્ય પરાક્રમ.

દ્રષ્ટિ સહેજ સ્પર્શીને સરકી, પાંચાલી નખશીખ ગઈ  થરકી,
રહી બાહુબલી નરને જોતી, તરત પરોવ્યાં મોતી.

વજ્રદેહની અદભુત કાન્તિ, વિલસે વદન પરમ વિશ્રાંતિ
પ્રતિપળ ઉદ્યત પુંસક ભાસે, યથાપૂર્ણ આદિત્ય ઉજાસે.

મન્મથ મત્ત વિભાવે મોહે, ઓષ્ઠકંપ અનુભાવે સોહે,
ફરકે લજ્જા ઉચ્છલ અંગે, જાણે હળવી થાપ મૃદંગે.

લીધો તરત મનોમન સેવી, કરી કામના કરવા જેવી,
પૂર્ણ થઇ ગઈ સર્વ સમીક્ષા, આજ પુરુષ ની હતી પ્રતીક્ષા.


સંદર્ભ : SBS ગુજરાતી સાથે થયેલી કવિ ની વાતચીત માંથી...

5 comments:

  1. Well explosion whole interview with Gujrati language

    ReplyDelete
  2. ખૂબ સરસ રીતે વિચારોનુ પ્રકટીકરણ કર્યું છે! વિનોદ જોશી જેવા સર્જક વિશે વધુ જાણકારી મળે છે અને સરળ ભાષામાં વાત કરવાની આપની અનેરી કલા સાહજીક રીતે પ્રસ્તુત કરી છે. સ્ટીવનસનની નવલકથા સાથે જોડવાનો પ્રયાસ પણ ઘણી રીતે નવીનતા ધરાવે છે.

    ReplyDelete