Saturday, 21 September 2024

સ્વભાવ, ટેવ, વૃત્તિઓ - એક નાનકડી ચર્ચા

માણસ પોતાનો સ્વભાવ ના બદલી શકે, પણ ટેવ તો બદલી જ શકે!!
સ્વભાવ અને ટેવ એક જ કે સ્વભાવ પરથી ટેવ પડે? કે પછી ટેવ પરથી સ્વભાવ બને? કોઈ આ બાબત પર પ્રકાશ પાડી શકશો??

ઉત્તર: આપે સુંદર પ્રશ્નકર્યો.
આના જવાબમાં હું સ્વભાવ, વૃત્તિ, ટેવ, મનોબળ, યોગ જેવા શબ્દો અને સંદર્ભોનો ઉપયોગ કરીશ.

-----

ટેવ અને સ્વભાવ બંને એક રીતે માનસિક, શારીરિક વૃત્તિઓ જ છે, જે આજીવન આપણી સાથે રહે છે અને સતત બદલાતી રહે છે.

આપણે એક સરસ વાક્ય બોલીએ છીએ કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.
બિલકુલ સાચી વાત છે.
પણ
આ સાથે એક જજમેન્ટ બાંધીએ છીએ કે ફલાણા વ્યક્તિ એવા જ રહેવાના, અને કોઈ બદલાવ આવવાનો નથી...

પણ...
પ્રકૃતિ જે રીતે પોતાનું રૂપ દરેક ઋતુઓમાં અલગ દેખાડે છે એમ માણસ પણ પ્રકૃતિમાંથી જન્મેલો જીવ છે અને તેનું જ પ્રતિબિંબ આખા જીવનમાં પડતું હોય છે. અને માણસ તેના જીવન દરમ્યાન ઘણી બધી વખત બદલાઈ શકે છે, તે બાબત આપણે ભૂલી જઈએ છીએ.

આજે હું જે વિચારું છું એ મુજબનું જ મારું જીવન અને ટેવો હશે, પણ શક્ય છે કે દસ વર્ષ પછી હું મારા વિચારોમાં પ્રયત્ન પૂર્વક પરિવર્તનો લાવું તો મારી ટેવો બદલાઈ પણ જાય.

ટેવ અને સ્વભાવને મનોબળ સાથે સીધો જ સંબંધ છે. આપણે જાગૃત અવસ્થામાં જે કંઈપણ કરીએ અને બોલીએ એ ધીરે ધીરે ટેવ બની જાય છે અને એમાં પરિવર્તન લાવવું શક્ય છે.

નીચે આપેલા શક્યતા સૂચક વિધાનો જોઈ લઈએ.

• વ્યસન ન કરવાની હઠ મને નવા સકારાત્મક આયામો તરફ લઈ જઈ શકે છે.
• દરરોજ દસ થી વીસ પાનાં વાંચવાથી મને ઘણું નવું જાણવા મળી શકે છે. અને શક્ય છે કે મને પુસ્તક વાંચવાની ટેવ પડી જાય.
• ખરાબ મિત્રો ન બનાવવાની જીદ મને એક જુદો સામાજિક દરજ્જો અપાવી શકે છે.
• દરરોજ રોજનીશી લખવાની ટેવ મારા અક્ષરો સુધારી શકે, મને સર્જનાત્મકતા આપી શકે.
• નિમ્ન કક્ષાનું ગુજરાતી વ્યવહારમાં ન બોલીને હું મારી ભાષામાં સ્પષ્ટતા લાવવાનો શ્રમ કરું તો ઘણી પ્રગતિ કરી શકું.

-----

આ બધા ટેવો બદલાવવા માટેનાં અને મનને નવી દિશા તરફ દોરી જનારા વિચારો છે. આ પેટર્નમાં વિચારવાથી શરૂઆતમાં થોડી ઘણી તકલીફ થઈ શકે છે. કારણ કે મોટા ભાગે દરેક માણસને પોતાનું જીવન જેમ ચાલે છે એમ યોગ્ય જ લાગતું હોય છે અને ભવિષ્યના ફાયદાથી અજાણ હોવાથી આપણે આજે પરિવર્તન લાવી શકતાં નથી.

મન અથવા અહંકાર એવું હંમેશા બોલશે કે,
શું જરૂર છે આ બધું બદલવાની?

તો ચાલો હવે એ સમજીએ કે સમયાંતરે પરિવર્તન લાવવા શા માટે જરૂરી છે.

કુદરતના દરેક તત્વો સતત પ્રગતિશીલ અને પરિવર્તનશીલ છે. જેમ આપણી શ્વાસનળી દર સેકન્ડે નવો શ્વાસ લે છે, શિરા અને ધમની સતત નવું જૂનું લોહી બદલાવ્યા કરે છે, દરેક કોશિકાઓ નષ્ટ થાય છે અને તરત જ નવી જન્મે છે એ જ રીતે દરરોજ નવા અનુભવો નવા સંદર્ભો નવા વિચારો આપણને પરિવર્તિત કરતા જ રહે છે.

શરીરનું મૃત્યુ પણ ત્યારે જ થાય છે જ્યારે તમામ નાની મોટી, સારી ખરાબ બધી જ વૃત્તિઓ શાંત પડી જાય. વૃદ્ધ માણસ જ્યારે મરણ પથારીએ હોય ત્યારે તેની દમિત થયેલી વૃત્તિઓ જ એક સાથે બહાર આવતી હોય છે. અને તેને આપણે સન્નીપાત કહીએ છીએ, રગો તૂટે છે એમ કહીએ છીએ. પછી એ હસે, રડે, ગાળો ભાંડે, ગુસ્સો કરે, કણસે, લવારી કરે...
કંઈ પણ થાય, એ બધું જ જીવન દરમ્યાનના દબાયેલા, અભિવ્યક્ત ન થયેલા સંસ્કારો અને વૃત્તિઓ જ હોય છે.
તે બહુ દયનીય સ્થિતિ હોય છે.

ખેર,
માણસ પોતાનો સ્વભાવ અને ટેવ બંને બદલી શકે છે. પણ એ માટે સઘન અને સક્રિય પ્રયાસો કરવા પડે છે. માત્ર મનથી વિચારવા માત્રથી બદલાવ નથી આવતો.  એ માટે ભારતમાં લાંબી અને સખત કેદની સજા ભોગવી રહેલા લોકોને શિક્ષિત કરવાની અને તેમને સામાજિક જીવનમાં પાછા માનભેર રહી શકે તે માટે સુધાર ગૃહો ચાલે છે. કિરણ બેદીએ આ ક્ષેત્રમાં સારું કામ કરેલ છે.

ગૌતમ બુદ્ધ આ બાબતે ઉત્તમ ઉદાહરણ છે. તેમણે માત્ર એટલો સંદેશ આપ્યો કે મન મગજ, શરીર કઈ રીતે શું વૃત્તિઓ ધરાવે છે એ બાબત માત્ર સાક્ષી ભાવે જુઓ. (Be watchful). અને એમ વિપશ્યના ધ્યાન વિકસ્યું. આ રીતે જોવા અને અવલોકન કરવા માત્રથી ઘણી ટેવો બદલાઈ જાય છે અને ઘણું સારું પરિવર્તન પણ આવે છે.

હવે મિત્રો તમને જો અહીં યોગસૂત્ર યાદ આવે તો તમને વૃત્તિઓ વિશે પ્રશ્ન થશે કે,
ચિત્ત વૃત્તિઓનો નિરોધ એટલે યોગ.
તો આમાં વૃત્તિઓને ત્યાગવી ન પડે?

ના, બિલકુલ નહિ. વૃત્તિઓને ત્યાગવાની નથી પણ તેનો નિરોધ કરવાનો છે, એટલે કે તેને પોસ્ટપોન કરવાની છે, પાછી ઠેલાવવાની છે. આ રીતે પાછી ઠેલવવાની ક્રિયાથી નબળી અને મલિનતા વાળી વૃત્તિઓનો મૂળમાંથી જ નાશ થઈ જાય છે. અને યોગ સિદ્ધ માણસ આજીવન સાત્વિક વૃત્તિઓ સાથે જીવીને સહજ રીતે શરીર છોડી શકે છે. (જેને આપણે મુક્તિ કહીએ છીએ.)

-----

આભાર સાહેબ. આપે ટેવ અંગે ખૂબ સારી સમજણ આપી. પરંતુ સ્વભાવ બાબતે સ્પષ્ટતા કરી શકશો તો જાણવા મળશે. દાખલા તરીકે કોઈ માણસનો સ્વભાવ જ લોભી છે. તો તેમાં કેમ બદલવા આવી શકે? 
બુધ્ધ, મહાવીર, સોક્રેટીસ પ્લેટો આવા તત્વચિંતકો આવું કરી શકે પણ સામાન્ય માણસનું શું?

-----

ઉત્તર: એના માટે નિયમિતતા જરૂરી છે. Consistency.

ખટ્કર્મ આજના જમાનામાં ખુબ વધી ગયાં છે અને સારા વિચારો આપણને હવે બિનઉપયોગી લાગે છે. આ એક વજન કાંટા જેવું છે ડાબું અને જમણું પલ્લું બંને સરખા થાય ત્યારે સામંજસ્ય બની શકે છે. એટલે દુરાચાર, અજ્ઞાન, ખટકર્મની સામે સત્કર્મ પણ નિયમિતપણે વધારવા પડે.

ઉદાહરણ તરીકે,
લોભી હોય એ દરરોજ ભંડારામાં જઈને સેવા આપી શકે.
સીધું સામાન વગેરે આપીને દાન કરીને તેની એ લોભી વૃત્તિ શાંત પાડી શકે.
પણ  સંકલ્પશક્તિ હોય ત્યારે જ આ શક્ય બને છે.

એનું ઉત્તમ ઉદાહરણ છે ભીષ્મ પિતામહ.
તેઓ અતિશય આત્મવિશ્વાસ સાથે હુંકાર ભરીને ખૂબ જોરથી બોલેલા કે હું ગંગાપુત્ર ભીષ્મ એ પ્રતિજ્ઞા કરું છું કે હું આજીવન બ્રહ્મચર્ય નું પાલન કરીશ અને લગ્ન નહિ કરું.

બોલેલા શબ્દો, કોઈને કહેલી સારી વાત ક્યારેય વિફળ નથી જતી.
બોલે માણસ બંધાય એ આનું નામ.

ખરેખર સ્વભાવ સુધારવા પ્રયત્ન કરનાર વ્યક્તિ છડેચોક ફેસબુક પર એલાન કરી શકે કે આજથી હું આટલી નકારાત્મક બાબતોનો ત્યાગ કરું છું.

બ્રાહ્મણો આપણને વિવિધ સંકલ્પો કરાવે છે તેમાં અહમ કરિષ્યે એવું બોલાવે છે, એની પાછળનું પણ આ જ કારણ છે.

ટુંકમાં...
વૃત્તિઓ અને ટેવ નજીકના શબ્દો છે.
ટેવોનું ઝૂમખું ભેગું થઈને વર્તનમાં દેખાય એટલે સ્વભાવ બની જાય.

ઘણી વૃત્તિઓ જન્મ સાથે જ આવે છે પણ એ મોટા ભાગે શારીરિક હોય છે.
કસમયે ભૂખ લાગવી, ઝાડો પેશાબ થઈ જવો, વગેરે.

જ્યારે ગુણોનો વિકાસ
પ્રયત્ન પૂર્વક કરવો પડે છે.

- રોહિત વ્યાસ (ભાવનગર)

અહીં નરસિંહ મહેતાને યાદ કરીને વાતચીતને સાહિત્ય કૃતિ વડે વિરામ આપીએ.

રાત રે જાહ રે, પાછલી ખટ ઘડી,
સાધુ પુરુષને સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરી,
એક તું એક તું એમ કહેવું. ... .... .... ....  ટેક.

જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા. .... .... .... ટેક.

સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતાર હોય તેણે દાન કરવું;
પતિવ્રતા નારિયે કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું. .... .... .... ટેક.

આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામિને સ્નેહથી સમરતાં,
ફરી નવ અવતરે નર ને નારી. .... .... .... ટેક.

– નરસિંહ મહેતા

No comments:

Post a Comment