Friday 27 September 2024

મારા લગ્ન થઈ ચૂક્યા છે... – શહીદ ભગતસિંહ જન્મજયંતિ વિશેષ

મારા લગ્ન થઈ ચૂક્યા છે અને મારી દુલ્હનનું નામ છે... આઝાદી
– શહીદ ભગતસિંહ



આ શબ્દો છે શહીદ ભગતસિંહના જેમણે પોતાના પ્રેમને એટલો અસીમ બનાવ્યો કે દુનિયાના ભલા માટે મરી ફીટવાની ભાવના જાગૃત કરી ગયા.

તેજાબી વ્યક્તિત્વ, ધારદાર સત્યથી ભરપૂર ભાષા, બાજ જેવી ચપળતા અને સાથે જ ચહેરા પર બાળક સમાન શાંતિ અને સત્યનાં આધારે જીવાયેલા જીવનથી વિકસિત થયેલું તેજ.

કરુણતા જુઓ કે, પોતાના જ દેશ માટે લડનાર ભગતસિંહને ફાંસી ની સજા આપનાર જલ્લાદ, ભારતીય.

એમના વિરુદ્ધ કેસ લડતાં વકીલ, ભારતીય.

એમને પકડાવનાર પોલીસ, ભારતીય.
...

છતાં ભગવાન બચાવવા આવશે એવી રાહ જોઈને બેસેલા ભારતીયો એમને સમજી ન શક્યાં કે આ વ્યક્તિ આપણને જ આઝાદી અપાવવા માટે લડે છે.

...

છસ્સોથી વધુ પુસ્તકો એટલી નાની ઉંમરમાં વાંચનાર ભગતસિંહ, જ્યારે ભગવદ્ગીતા જેવું ઉત્તમ ઉપનિષદ આખેઆખું પચાવી જાય અને પછી એમનું આઝાદી અપાવવા જેવડા મોટા લક્ષ્ય માટે જે આત્મબળ વધે... એની કોઈ હદ ન જ હોય...!!!

તેઓ એમનાં ફાંસીના સમય સુધી લેનિનને વાંચતા હતા. જલ્લાદને એમણે કહેલું કે હું કંઈક નવું શીખીને મરવા માંગુ છું. નાનામાં નાનો પ્રસંગ તેમણે એમની ડાયરીમાં ટપકાવી લીધો છે. બધું જ લખીને, સતત વર્તમાનમાં રહીને, અભિવ્યક્ત થઈને જીવેલા શહીદ ભગતસિંહને શબ્દાંજલિ આપવા મારા શબ્દો હંમેશાં ટૂંકા જ પડશે.

પણ
આજે એમને યાદ કરીને આપણે બસ એટલું જ વિચારવાનું છે કે આપણે આજે કઈ કઈ રીતે ગુલામ છીએ. કયા બંધનો આપણને આગળ વધતા રોકે છે, કઈ તાકાતો આપણને આજે પણ ગુલામ બનાવવા તત્પર છે. અને કઈ બાબત છે એ જેનો આપણે હિસાબ લગાવવાનું ભૂલ્યાં છીએ.

આજે કયો માણસ તેના સ્ક્રીનમાં શું જુએ છે, વાંચે છે, મનમાં ભરે છે એ કળવું જ મુશ્કેલ થઈ ગયું છે. એટલે ઝડપથી એ સમજાતું નથી કે પોતે જે કંઈ જુએ છે, સાંભળે છે એનાથી કઈંક ભલું થવાનું છે કે કેમ. વિદેશી સત્તાઓ, સમાચાર માધ્યમો, નિમ્ન કક્ષાની કોઈ મેસેજ વિનાની ફિલ્મો, રાજકીય કાવાદાવા, સાસુ વહુના ઝઘડાઓ, રીલેશનશીપ, બ્રેકઅપ વગેરે સાવ છેલ્લી ક્વોલિટીનું કન્ટેન્ટ પીરસીને અફીણના નશામાં રાખે છે અને ઉપરના લેવલે બેઠેલા લોકો શું ગેમ રમી રહ્યા છે એ વાત આપણને ખબર જ પડતી નથી.

(જો કે એ જાણવા માટેની પણ સરસ ટ્રિક છે, કે જે વસ્તુઓ રોજિંદી ચર્ચામાં ઉતરે, બે પાંચ માણસો વચ્ચે ઉલ્લેખ થાય એ બધું એમના જોવા જાણવામાં આવે છે એમ માનવાનું...)

વસ્તીવધારો, બેરોજગારી, આર્થિક અસમાનતા, મોંઘવારી, નાગરિક અધિકારનું હનન, સામંતવાદી વિચારો સાથે આગળ વધતી યુવા પેઢી, ટૂંકી માનસિકતા, પ્રમાદી જીવનશૈલી, નશાખોરી વગેરેએ આપણાં આંખ અને કાન બંને બંધ કરી દીધા છે જેથી આવનારી વિપત્તિઓ વિશે આપણને સહેજ પણ અંદાજ નથી.

કુદરત એ બધાનાં શક્ય એટલા પરચા આપી રહી છે. સુનામી, વાવાઝોડું, દાવાનળ, ભૂકંપ, ભૂસ્ખલન, હિમ પ્રપાત, હિટવેવ વગેરે એ બાબતોનો પુરાવો છે.

આટલી મોટી સમસ્યાઓ સામે આપણને આપણી હસ્તી બહુ નાની લાગે એ સ્વભાવિક છે, પણ કોઈપણ સમસ્યા આપણાં આત્મબળ કરતા મોટી ન હોઈ શકે એમ સમજીને...

૧. શક્ય એટલા શુભ પગલાં લઈને આપણી આસપાસ પ્રકાશમય માહોલ બનાવવાનો પ્રયાસ કરીએ.
૨. શરીર મનને સ્વસ્થ અને શાંત રાખીને આપણી ઊર્જા શક્ય એટલાં સારા કામ માટે વાપરીએ.
૩. વોટસએપ યુનિવર્સિટી અને ફેસબુક કૉલેજનાં વિદ્યાર્થી ન બનીને લોકોમાં ફેલાતી અંધશ્રદ્ધા અને આડંબર અટકાવીએ...
૪. સમાજમાં જાગૃતિ લાવવા માટેના ઉપાયો કરીએ.
૫. વૈજ્ઞાનિક ઢબે જીવન જીવીએ, નવા પુસ્તકો, નવા વિચારો વાંચતા રહીએ, નોંધ કરતા રહીએ...

એવા તો ઘણાં કર્મો છે જે આપણને શિવ શબ્દ નો સાચો અર્થ સમજાવવા માટે હાજર જ હોય છે.

પણ આજે આટલે થી વિરમું છું. ભગતસિંહના ખાસ મિત્રો રાજગુરુ અને સુખદેવ વિશેની રસપ્રદ વાતો લઈને શબ્દોની પાર્ટીમાં મળીશું ફરી ક્યારેક.

આત્મદીપ ભવઃ

– રોહિત વ્યાસ.

No comments:

Post a Comment