જીવનનો અને માણસના પોતાના અસ્તિત્વનો કોઈને કોઈ હેતુ રહેલો હોય છે. સમયના ચક્રમાં જન્મ, નામ, કામ, યુવાની, લગ્ન, બાળકો, વૃદ્ધત્વ અને મૃત્યુ; આ પ્રમાણે માનવજીવન ચાલતું આવ્યું છે. પ્રાણી જગત કરતા જરા જુદો એવો માણસ પોતાની બુદ્ધિ ના વિકાસ મારફત યાંત્રિકતા અને જટિલતા પણ ફેલાવતો ચાલ્યો છે. માણસ આજે સતત પોતાની જાતને, કામને, પોતાના નામને, અસ્તિત્વને, અને તેના આખા જીવનને કોઈને કોઈ સાર્થકતા આપવા મથી રહ્યો છે. તેને સતત એક જ પ્રશ્ન થયા કરે છે કે, "હું કોણ છું?", "હું જે કંઈ કરું છું તે શા માટે અને કોના માટે કરું છું?", "મારા અહીં હોવાનો શો અર્થ છે?" વગેરે... પણ જ્યારે માણસ આ કંટાળાજનક દુનિયામાં પ્રકૃતિને જુએ છે ત્યારે તેને તેની પામરતા અને સૂક્ષ્મતા દેખાય છે. હજારો યોજન લાંબા અને ઘૂઘવતા સમુદ્ર, અનેક ગણા વિરાટ એવા પર્વતો, અત્યંત સૂક્ષ્મ એવા સજીવો, નાનાવિધ રહસ્યો સમેટીને સતત ફર્યા કરતી આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારાઓ, બ્રહ્માંડ... આ બધુંય સમજવાની ઉત્કટ ઈચ્છા અને પ્રેમ હોવા છતાં માણસ પાસે પોતાનું જીવન કેટલું ટૂંકું છે અને ક્ષણભંગુર છે તેનું જ જ્ઞાન નથી. મુઠ્ઠીભર પૈસા, દાણા, સુંવાળી સેજ અને સલામત ઘરમાં ભગવાનની જેમ જીવતો માણસ યાત્રા, પ્રવાસ અને વિહાર નું મહત્વ નથી સમજી શકતો. લોકો, સંસ્કૃતિઓ, ભાષાઓ, બોલીઓ, પરંપરાઓ, વ્યવહાર, વિજ્ઞાન, વિવિધ તકનિક વગેરે જાણવાની ઉત્સુકતા ઈચ્છા અને તલસાટ થી જ માણસ પોતે જીવતા હોવાનો અનુભવ કરી શકે છે. તન મન જો દુરસ્ત હશે તો સારી રીતે પ્રેમને સમજી શકશે. યાત્રા, પ્રવાસો અને વિહાર હંમેશા કંઈકને કંઈક નવું જાણવાના હેતુ સાથે જ કરવા જોઈએ.
- વિલીન
વૈશાખ વદ આઠમ, વિક્રમ સંવત ૨૦૮૦
No comments:
Post a Comment