જ્ઞાન પ્રાપ્તિ માટે અહંકાર ઓગાળવો તે અનિવાર્ય શરત છે. જ્ઞાન મળવાથી જ પ્રેમનો વિસ્તાર વધે છે અને આખાય જગતનું ભલું કરવાનું સામર્થ્ય મળે છે. ટૂંકા ગાળાના સુખો, ભોગવિલાસ, અને ક્ષણિક આનંદ મેળવવાની વૃતિથી લાલસા, વાસના, ક્રોધ, અને દરિદ્રતા જ જન્મે છે. જેને કારણે આ પ્રકાશમય જગત અત્યંત અંધકારમય દેખાય છે. અહંકારને પોષીને વિશાળ બનાવવાના તમામ સરંજામ માણસ પાસે ઉપલબ્ધ છે અને તેને ભોગવીને અત્ર-તત્ર સર્વત્ર સર્વનાશ વ્યાપી રહ્યો છે. પોતાના કર્મો અને તેનાથી ઊભા થનારા પરિણામો વિશે આજે માણસ બિલકુલ અજાણ થઈ ગયો છે. જેથી માનસિક સંતાપ, વ્યગ્રતા, ઉચાટ અને આખુંય જીવન અંધકારમય બનતું જાય છે. વેદો-ઉપનિષદોમાં અહંકારને અને આત્માને ઓળખવાના વિધિવત રસ્તાઓ સૂચવ્યા છે. બળ, બુદ્ધિ, જ્ઞાન, પ્રેમથી આત્માને ઝડપથી જાણી શકાય છે. સત્યને જેમનું તેમ જાણવા અને જોવામાં ખૂબ જ મદદ મળે છે. પરંતુ ક્રોધી, કામી, વિકારી, ઈર્ષ્યાળુ, લાલચુ અને લોભી વ્યક્તિઓ જીવનના આ ગૂઢ છતાં સૌને ઉપલબ્ધ એવા રત્નથી વંચિત રહે છે. અથવા જાણી જોઈને જ અજાણ રહે છે. સંતો, મહંતો, ધાર્મિક ગ્રંથોથી માણસ શક્ય એટલો દૂર બેસે છે. અને "મને બધી જ ખબર છે" એવી ગુરુતા ગ્રંથિથી પીડાય છે. પણ તેનું તેને પોતાને જ ભાન હોતું નથી. અને આખુંય જીવન નિરંતર ફરિયાદો, કાવાદાવા અને કૂટનીતિના કાદવમાં ડૂબેલો રહે છે. વીંછી અને સંતની વાર્તાની માફક વીંછી બનીને લોકોને, સજ્જનોને સતત ડંખ્યા કરે છે. હજારો માળાઓ, ભક્તિ, માનતા, ભજન કરીને પણ તેને શાંતિ મળતી નથી. કારણ કે જ્ઞાન અને પ્રેમનો અભાવ હોય છે.
- વિલીન
વૈશાખ વદ આઠમ, વિક્રમ સંવત ૨૦૮૦
No comments:
Post a Comment